ચોટીલા હાઇવે પરની હોટલોમાં બાયોડિઝલની હેરાફેરી અને સંગ્રહ થતો હોવાની ફરિયાદ ઉઠતા ચોટીલા પ્રાંત અધિકારીએ તાલુકાના મોટી મોલડી ગામે આવેલી યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુ.પી.બિહાર દરભંગા હોટલમાં દરોડો કરી મોટા પ્રમાણમાં બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો હતો.

બંને હોટલોમાંથી બાયોડીઝલનો સંગ્રહ કરવા બનાવેલ ૦૫ ટાંકાઓ, બાયોડીઝલ ભરેલ ટેન્કર સહિત ફૂલ ૪૩૨૫૦ લિટર બાયોડીઝલ અને ટેન્કર મળી ફૂલ રૃ.૭૦.૭૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બંને હોટલોને સીલ મારવામાં આવ્યા હતા. તેમજ બંને હોટલના માલિકો (૧) જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે.ઠીકરીયાળા (તા.વાંકાનેર) અને (૨) વિક્રમભાઇ જોરૃભાઈ ધાંધલ (રહે. ખેરડી તા.ચોટીલા) સામે કાર્યવાહી હાથ ધરી હતી.બાયોડિઝલનો સંગ્રહ કરવા માટે બનાવેલ ટાંકાઓ, રસોડાના પ્લેટફોર્મમાં બનાવેલ બે ટાંકા સહિતનું પાકું બાંધકામ પણ જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમ દ્વારા બાયોડિઝલનો સંગ્રહ અને હેરાફેરી ઝડપી પાડતા અન્ય અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

