વડોદરા શહેરની મધ્યમાં ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન ગઈકાલે તા. 17મી ઓગસ્ટે શહેરીજનો માટે પ્રસ્તુત કરાયું હતું. આ વેન્ડિંગ મશીનમાં માત્ર રૂપિયા પાંચ નાખવાથી અવેજીમાં ક્લોથ બેગ બહાર આવતી હતી.
આ વેન્ડિંગ મશીનની જાણકારી મળતા જ લોકો મોટી સંખ્યામાં પાલિકા કચેરી પાસે ગોઠવેલા વેન્ડિંગ મશીન ખાતે પહોંચીને ક્લોથ બેગ મેળવવાનો લાભ લીધો હતો. આજકાલ શહેરમાં નિયત માત્રા કરતા પાતળી પ્લાસ્ટિકની કોથળીઓનું ચલણ વધી ગયું હતું. પ્રદૂષણને ભારે નુકસાનકારી આ પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઘટાડવાના ઇરાદે પાલિકા તંત્ર દ્વારા આ નવતર પ્રયોગ કરાયો હતો જેને ભારે લોક પ્રતિસાદ મળવાનું પ્રથમ દિવસથી જ શરૂ થયું હતું પરંતુ આજે બીજા દિવસે ક્લોથ બેગનું આ મશીન કોઈ કારણોસર એકાએક બગડી ગયું હતું. પરિણામે ક્લોથ બેગનો લાભ લેવા આવેલા ઉપસ્થિત નગરજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.


