લોકશાહી અને મતદાનના અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી ‘જન અધિકાર અભિયાન’ નો પ્રારંભ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ‘વોટ ચોર, ગદ્દી છોડ’ ના નારાને બુલંદ બનાવીને લોકતંત્રને બચાવવાનો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થકી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પ્રભારી ગ્યાસુદ્દીન શેખ, ભીખાભાઈ રબારી, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સુલેમાન પટેલ જોલવા, અને વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોકશાહીના મૂલ્યો અને મતદારોના અધિકારો પર થઈ રહેલા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નેતાઓએ તેમના વક્તવ્યમાં વર્તમાન સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, લોકોના મતાધિકારનું હનન કરીને લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. આવા સમયે દરેક કાર્યકર્તાએ જનતા વચ્ચે જઈને તેમના અધિકારો માટે લડવું પડશે.
આ પ્રસંગે વાગરા તાલુકાના અગ્રણી કોંગી નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલ, શકીલ રાજ, ફિરોઝ રાજ, રઘુવીર સિંહ ચૌહાણ, મકબૂલ રાજ, અસ્લમ રાજ, સુરેશભાઈ, દિનેશ રાઠોડ અને અયુબ વલાણીયા સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ મિટિંગ દ્વારા કોંગ્રેસે લોકતંત્રને બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને આગામી સમયમાં જનતા વચ્ચે જઈને આ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ લીધો હતો.


