GUJARAT : વાગરા-ભરૂચ માર્ગની બિસ્માર હાલતથી મુસાફરો પરેશાન: ST બસ ખાડામાં ફસાઈ, મોટી દુર્ઘટના ટળી

0
68
meetarticle

વાગરાથી ભરૂચ જઈ રહેલી ST બસ વિલાયત-ડેરોલ માર્ગ પરના એક મોટા ખાડામાં ફસાઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે, બસ પલટી ખાતા રહી જતાં મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે.


રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોને લઈને જઈ રહેલી આ બસ ખાડામાં ફસાઈ જતાં એક તરફ નમી પડી હતી. આ જોઈને ગભરાયેલા કેટલાક મુસાફરોએ તો ઈમરજન્સી દરવાજો ખોલીને ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બસ પલટી ન જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
માર્ગની દયનીય સ્થિતિ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી
વિલાયત-ડેરોલ માર્ગની હાલત અત્યંત દયનીય છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગના સમારકામનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ચોમાસાને કારણે કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું છે. પરિણામે, આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે અને સિંગલ લાઈન પર જ વાહનો ચાલી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સ્થાનિક વાહનચાલકો તો આ રસ્તાને ટાળવા માટે લાંબો ફેરાવો લઈને મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉપરાંત વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપવાને બદલે સત્તાધિશો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વાહનચાલકો અને મુસાફરોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને લોકોને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે. જો તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે, તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here