સુરત જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતમાં ફરી વિવાદ સર્જાયો છે, ગ્રામજનો દ્વારા સીસી રોડ બન્યો ન હોય અને તેના રૂપિયા 4.50 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવાઈ ગયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
કામરેજ ગામના બજારમાં આવેલા ઝંડા ચોકથી માછીવાડ સુધી જતો રોડ જર્જરિત હાલતમાં છે અને આ રોડ આશરે 8થી 10 વર્ષ પહેલા બન્યો હતો પણ જ્યારે કામરેજ બજારમાં આ atvtની ગ્રાન્ટની તખ્તી લોકોએ જોઈ ત્યારે વિચારમાં પડ્યા કે રોડ તો બન્યો નથી અને આ સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટનું થયુ શું ?ગામના જાગૃત આગેવાન આનંદભાઈ કિરીટભાઈ પટેલ દ્વારા આ બાબતની તપાસ અને અરજી કરતા જરૂરી દસ્તાવેજો મેળવી જાણ્યું કે સાઈટ પ્લાન પ્રમાણે રસ્તો બન્યો જ નથી અને પછી ગ્રામજનો દ્વારા પંચાયત પર આક્ષેપનો દોર શરૂ થયો અને સરપંચ, તલાટી પાસે જવાબ માગવા ગ્રામ પંચાયત પર પહોંચ્યા હતા. કામરેજ ગામના ઝંડા ચોકથી માછીવાડ સુધીના CC રોડ બાબતે જ્યારે અમે માછીવાડના રહીશો સાથે વાત કરી તો તેઓએ પણ આક્રમક રીતે જવાબ આપ્યા.ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવતા ગામના સરપંચ કિંજલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2024-25ની ATVTની 4,50,000ની ગ્રાન્ટ હતી, જેમા ઝંડા ચોકથી માછીવાડ સુધીનું કામ હતુ, જે કરાયુ છે અને કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે તેવું જણાવી ગ્રામજનોના આક્ષેપને ફગાવી દીધા હતા. એક તરફ ગ્રામજનો સીસી રોડ બન્યો જ નથી અને ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ બધુ બરાબર હોવાનું જણાવી રહ્યા છે તેવામાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માગ ઉઠી રહી છે.