વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં ભરૂચમાં ઓવરટેકના મામલે થયેલી મારામારીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપી મિતેષ ઉર્ફે મેડી પટેલની ધરપકડ કરી છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ મોટો છે, જેમાં હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
આ ઘટના ગત ૧૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ ભરૂચના શ્રવણ ચોકડી પાસે બની હતી. આરોપી મિતેષ પટેલ તેની કારમાં મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે એક મોટરસાયકલ ચાલકને ઓવરટેક કરવા જતા કાર મોટરસાયકલ સાથે અથડાઈ. આ મામલે મોટરસાયકલ ચાલકે શાંતિથી ગાડી ચલાવવાનું કહેતા મિતેષ અને તેના મિત્રો ઉશ્કેરાઈ ગયા. તેમણે મોટરસાયકલ ચાલકને ગાળો આપી, ગડદાપાટુનો માર માર્યો અને માથામાં ઈજા પહોંચાડી. આટલું જ નહીં, આરોપીએ ભોગ બનનારને “ફરી મળીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારથી મિતેષ પટેલ પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.
વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલ નાં આદેશથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે સતત પ્રયત્નશીલ હતી.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે, ભરૂચના મારામારીના ગુનાનો આરોપી મિતેષ ઉર્ફે મેડી પટેલ હાલ વડોદરાના વાસણા-ભાયલી રોડ પર અર્થ અર્ટીકા ફ્લેટ પાસે હાજર છે. આ માહિતીનાં આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી મિતેષ હરીશભાઈ પટેલ (ઉં.વ. ૩૭) ને ઝડપી પાડ્યો.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મિતેષ પટેલ ગુનાહિત પ્રવૃત્તિઓનો આદી છે. તેના વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સમા પોલીસ સ્ટેશનમાં લૂંટ, ખંડણી, અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો; ગોરવા પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ; અને ભરૂચમાં પણ મારામારીના ગુનાઓનો સમાવેશ થાય છે.
આરોપીને વધુ કાર્યવાહી માટે ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એન. જી. જાડેજા, પી.એસ.આઈ. આર. એન. બારૈયા અને તેમની ટીમ નાં અન્ય કર્મચારીઓ – હરીભાઈ, હિરેનભાઈ, જયદિપસિંહ, પ્રણવભાઈ, ભુપેંદ્રસિંહ, અને રાજબાબેન – સામેલ હતાં.
REPOTER : મનિષ કંસારા


