દહેજ પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ ૨૨/૦૯/૨૦૨૪ ના રોજ ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતકનું નામ દિલીપકુમાર ઉર્ફે દીપક s/o ભગવતશરણ પટેરીયા (ઉ.વ. ૪૦) હતું અને તે આર્યા રોડલાઇન્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. મૃતકના શરીર પર ઈજાના નિશાન જોઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને અગાઉ દહેજ, મુંબઈ અને કરનાલ (હરિયાણા) ખાતેથી ઝડપી પાડ્યા હતા, પરંતુ અન્ય બે આરોપીઓ છેલ્લા છ માસથી નાસતા ફરતા હતા.
પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ઝાલાની સૂચના મુજબ, દહેજ પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી હતી. માહિતી મળતાં પોલીસે ટીમને છત્તીસગઢના રાયગઢ ખાતે મોકલી હતી, જ્યાં આરોપીઓ પૈકીનો એક શાહનવાઝ ઉર્ફે ખુર્શીદ ઉર્ફે સાહિલ s/o જાહિદ ખાન (ઉ.વ. ૨૪) ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો.
આખરે, દહેજ પોલીસે રાયગઢ (છત્તીસગઢ) ખાતેથી શાહનવાઝને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
REPOTER: કેતન મહેતા, દહેજ


