લીમખેડા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લગ્નમાં જઈ રહેલા અંદાજે 15 થી 20 લોકો ઘાયલ થયા છે.દાહોદ જિલ્લાના લીમખેડા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પર, ખાનગી લક્ઝરી બસ અને એક ક્રુઝર ગાડી વચ્ચે ટક્કર થતાં લગ્નમાં જઈ રહેલા અંદાજે 15 થી 20 લોકો ઘાયલ થયા છે.
આ ત્રિપલ અકસ્માત લીમખેડા નજીક આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસે નેશનલ હાઇવે પર થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, માલ ભરેલું એક ડમ્પર રોડ પર ઊભું હતું. આ ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. આ બાદ પાછળ આવી રહેલી ક્રુઝર ગાડી પણ આ બંને વાહનો સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે દાહોદ તરફ આવી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 15 થી 20 લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લીમખેડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.લીમખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

