DAHOD : 3 બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર

0
14
meetarticle

મધ્યપ્રદેશના અડવાડા ગામે માતાએ અગમ્ય કારણોસર ત્રણ સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે માતા દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દાહોદ નજીક આવેલા મધ્યપ્રદેશના અડવાડા ગામે એક માતાએ પોતાના ત્રણ માસૂમ સંતાનો સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ઘટનામાં ત્રણેય સંતાનોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે માતાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અડવાડા ગામમાં રહેતા નૂરીબેન ભાભોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેમણે પોતે ઝેર પીતા પહેલા પોતાના ત્રણેય સંતાનોને પણ ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકોના મોત થયા હતા.

હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં 3 વર્ષીય રીયા ભાભોર, 5 વર્ષીય કાર્તિક ભાભોર અને 11 વર્ષીય સાવિત્રી ભાભોરનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જ્યારે માતા નૂરીબેન હાલમાં દાહોદની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ મધ્યપ્રદેશ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતાએ આવું ભયાનક પગલું કેમ ભર્યું? શું આ પાછળ કોઈ પારિવારિક ઝઘડો છે કે અન્ય કોઈ કારણ? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલ તો આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here