ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક એક મકાન સાથે રેતી ભરેલી ટ્રક અથડાતા ભારે નુકસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત બાદ રિપેરિંગ કરી આપવાની બાંહેધરી આપનાર કોન્ટ્રાક્ટરે પાછળથી હાથ ઉઠાવી લેતા મકાન માલિકે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓરિસ્સાના વતની અને દહેજમાં નોકરી કરતા રવિન્દ્રકુમાર અર્જુનશરણ શાહુ ભરૂચની વી.ડી. ટાઉનશીપમાં રહે છે. ગત તા. ૧૫ જુલાઈના રોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ એક રેતી ભરેલી ટ્રક તેમના મકાન સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના પરિણામે મકાનના બીમ અને દિવાલોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ સોસાયટીમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાક્ટર મેલસિંગભાઈ દોલતભાઈએ મકાન માલિક રવિન્દ્રકુમારને નુકસાનીનું રિપેરિંગ કરાવી આપવાની બાંહેધરી આપી ટ્રક હટાવવા માટે જણાવ્યું હતું, જેથી રવિન્દ્રકુમારે ટ્રકને ત્યાંથી લઈ જવા દીધી હતી. જોકે, થોડા દિવસ બાદ કોન્ટ્રાક્ટરે ફરી સ્થળની મુલાકાત લેતા મકાનને અંદાજે રૂપિયા ૮ લાખનું વધારે નુકસાન થયું હોવાનું માલૂમ પડ્યું હતું. આથી, તેમણે રિપેરિંગ કરવાની ના પાડી દીધી હતી.
છેવટે, રવિન્દ્રકુમાર શાહુએ મકાનને રૂપિયા ૮ લાખનું નુકસાન પહોંચાડનાર ટ્રક ચાલક વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


