ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં, કેટરર્સ સંચાલક પ્રકાશ પુનાજી માલીની તેના જ કર્મચારીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકના પરિવારજનો અને માલી સમાજના આગેવાનોએ હત્યારાઓને તાત્કાલિક પકડીને તેમને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
ભરૂચ શહેરની આશીર્વાદ સોસાયટીમાં “બાબા રામદેવ કેટરર્સ” ચલાવતા પ્રકાશ માલીની તેમના જ ઘરમાં હાથ-પગ બાંધીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ લૂંટ પણ ચલાવી અને તેમની ઇકોવાન લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી અને અન્ય કર્મચારીઓના નિવેદનો પણ નોંધ્યા હતા.
પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે તેમના લોકેશન ટ્રેસ કરવાની કવાયત હાથ ધરી છે. પોલીસે આરોપીઓ લઈને ભાગેલા ઇકોવાનને વડોદરા પાસેથી કબજે કરી છે. પોલીસ વહેલી તકે હત્યારાઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ છે.
આ ઘટનાના સમાચાર મળતાં જ રાજસ્થાનથી પ્રકાશ માલીના પત્ની, બાળકો, અને પરિવારના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ભરૂચ પહોંચ્યા હતા. તેમની સાથે માલી સમાજના આગેવાનો પણ જોડાયા હતા. મૃતકના ભાઈ અને દીકરીએ આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આ મામલે પોલીસની વધુ કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે.


