ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ઘણા વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા માટે દોડી રહ્યા છે.મળતી માહિતી મુજબ ઘણા વાલીઓએ અન્ય સ્કૂલનો સંપર્ક કરવાનું પણ શરૂ કર્યું છે.
વાલી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
ધોરણ 10ના વિદ્યાર્થીની સ્કૂલ છૂટવાના સમયે જાહેરમાં હત્યાની ઘટનાએ જ્યાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે ત્યારે હવે આ ઘટના બાદ વાલીઓમાં અને સ્કૂલમાં તેમજ આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.
વાલીઓ શાળા બદલાવવા મજબૂર બન્યા
આ સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોય તેમ જ અગાઉ પણ અનેકવાર મારામારી અને વિગ્રહની ઘટનાઓ બની ચુકી છે, ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીની અત્યારની ઘટનાએ ઘણા વાલીઓને પ્રવેશ રદ કરાવવા માટે મજબૂર કર્યા છે.
અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા મુજબ, આસપાસની ઘણી સ્કૂલોમાંથી પ્રવેશ માટે ફોન પણ આવ્યા છે જેથી ઘણા વાલીઓ પોતાના બાળક બાળકોને સેવન્થ ડે સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવી હવે અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા ઈચ્છે છે. કેટલાક વાલીઓએ અન્ય સ્કૂલોનો સંપર્ક કરીને પ્રવેશ માટે પૂછપરછ શરૂ પણ કરી દીધીછે.
વાલીની વધી મુશ્કેલી
મહત્ત્વનું છે કે, આ ઘટના બાદ છેલ્લા ચાર દિવસથી સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ પણ થઈ નથી શક્યું અને હાલ જે રીતનો સ્કૂલ અને આસપાસમાં માહોલ છે તે જોતા ઓફલાઈન શિક્ષણ પણ ક્યારે શરૂ થાય તે નક્કી નથી. જોકે બીજી બાજુ એ પણ પ્રશ્ન છે કે સેવન્થ ડે સ્કૂલ આઇસીએસઈ બોર્ડ ધરાવે છે અને આ બોર્ડના સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓ છે ત્યારે આસપાસ આઇસીએસઈ બોર્ડ સ્કૂલ ધરાવતી નહિવત પ્રમાણમાં છે તેથી આ સ્કૂલમાંથી અન્ય સ્કૂલમાં બાળકોના ટ્રાન્સફરને લઈને પણ વાલીઓને મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે.
ડીઈઓ દ્વારા એલસી માટે મદદ કરાશે
અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા જે વાલીઓ સેવન્થ ડે સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવી એલ.સી કઢાવવા ઇચ્છતા હોય અને અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા માંગતા હોય તેઓને મદદ કરવા માટે પણ પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મૃતકના પરિવારને 15 દિવસમાં ન્યાય મળવો જોઈએ: VHPનું અલ્ટીમેટમ
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યા બાદ તેના ન્યાય માટે યોજાયેલી શોકસભામાં રાજકીય-સામાજીક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓએ નયનને ન્યાય મળે મળે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે, જો 15 દિવસમાં મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય નહીં મળે તો જગન્નાથ મંદિરથી સેવન્થ ડે સ્કૂલ સુધી કૂચ કરાશે. આ શોક સભામાં લોકોની માગણી હતી કે ‘હત્યારાને ફાંસીની આપવામાં આવે. હત્યારો કોઈપણ ધર્મનો હોય કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. સરકારને માંગ છે કે આવા ગંભીર ગુનામાં જુવેનાઇલ કાયદો બદલવામાં આવે. ’


