છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં નગરપાલિકા જાહેર થયા બાદ પહેલી જ વાર ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલું લેવામાં આવ્યું છે. બોડેલીના હરખલી કોતરવાડા વિસ્તારમાં આવેલ શ્રી રામ કોમ્પ્લેક્સ અંગે લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતને આધારે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
કલેક્ટર દ્વારા બોડેલી તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવેલા આદેશ મુજબ, શ્રી રામ કોમ્પ્લેક્સની અંદર આવેલી તમામ દુકાનોને આગામી સાત દિવસની અંદર સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અરજદારને લાંબા સમય બાદ ન્યાય મળતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ આદેશ બાદ બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં હડકંપ મચી ગયો છે. શહેર નગરપાલિકા જાહેર થયા પછી ગેરકાયદેસર બાંધકામ સામે આ પહેલી કાર્યવાહી છે જે આવનારા સમયમાં અન્ય ગેરકાયદેસર કોમ્પ્લેક્સ અને દુકાનો પર પણ તંત્ર કડક બનશે તેવો સંકેત આપે છે.
સ્થાનિક લોકોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે અને જણાવ્યું છે કે બોડેલી શહેરને ગેરકાયદેસર બાંધકામોથી મુક્ત કરાવવા માટે આ પગલું લોકહિતમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
રિપોર્ટર : ઈરફાન મકરાણી કદવાલ




