SPORTS : વનડે રેન્કિંગમાં દબદબો: ટોપ 5માંથી 3 ભારતના, વિરાટથી આગળ નીકળ્યો બાબર આઝમ

0
83
meetarticle

ICC ના તાજેતરના રેન્કિંગમાં શુભમન ગિલ અને રોહિત શર્મા બેટ્સમેનોની યાદીમાં ટોપ પર યથાવત છે, જ્યારે વિરાટ કોહલી ચોથા નંબર પર છે. બીજી તરફ તાજેતરમાં મેકેમાં સીરિઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રેકોર્ડ જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ ફાયદો થયો છે. જોકે, દક્ષિણ આફ્રિકાએ સીરિઝ જીતી લીધી હતી. ગિલ (784 રેટિંગ પોઈન્ટ) અને રોહિત (756) અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને યથાવત છે, જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (739) ટોપ 3માં સામેલ છે. કોહલીના 736 પોઈન્ટ છે.

ભારતીય ટીમે તાજેતરના મહિનાઓમાં વનડેમાં હિસ્સો નથી લીધો, પરંતુ બોલરોની તાજેતરની વનડે રેન્કિંગમાં કુલદીપ યાદવ (650) અને રવિન્દ્ર જાડેજા (616) હજુ પણ અનુક્રમે ત્રીજા અને નવમા નંબર પર છે. રોહિત અને કોહલીએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તેઓ બંને વનડે ફોર્મેટમાં સક્રિય છે. રોહિત અને કોહલી બંનેએ છેલ્લે ફેબ્રુઆરી 2025માં સંયુક્ત આરબ અમીરાતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વનડે મેચ રમી હતી, જેમાં તેઓએ ભારતના ટાઈટલ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ ત્રણ ખેલાડીઓને રેન્કિંગમાં થયો ઘણો ફાયદો

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે મેકેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં બે વિકેટ પર 431 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેમાં તેના ત્રણ બેટ્સમેન ટ્રેવિસ હેડ (142), મિશેલ માર્શ (100) અને કેમેરોન ગ્રીન (અણનમ 118) એ સદી ફટકારી હતી. આ પ્રદર્શનના કારણે આ ત્રણેયને રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. હેડ એક સ્થાનનો સુધારો કરીને 11મા સ્થાને, માર્શ ચાર સ્થાનના ફાયદા સાથે 44મા સ્થાને અને ગ્રીન 40 સ્થાનના ફાયદા સાથે 78મા સ્થાને પહોંચી ગયો છે.

જોશ ઇંગ્લિસે પણ આ યાદીમાં સ્થાન બનાવ્યું

ઓસ્ટ્રેલિયન ટીમના તેમના સાથી ખેલાડી જોશ ઇંગ્લિસે પણ આ યાદીમાં સ્થાન બનાવ્યું છે. જમણા હાથના આ બેટ્સમેન 23 સ્થાનના સુધારા સાથે 64મા સ્થાને પહોંચી ગયો છે. વનડે બોલરોના રેન્કિંગમાં ટોપ પર કઠિન સ્પર્ધા ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝ સમાપ્ત થયા પછી, શ્રીલંકાના સ્પિનર ​​મહેશ તીક્ષણા 671 રેટિંગ પોઈન્ટ સાથે સાથી સ્પિનર ​​કેશવ મહારાજ સાથે ટોપ પર આવી ગયો છે.

સીરિઝની છેલ્લી મેચમાં  57 રન આપીને 1 વિકેટના પ્રદર્શનના કારણે મહારાજના રેન્કિંગમાં ઘટાડો આવ્યો છે અને તેમનું રેટિંગ તીક્ષણાની બરાબર થઈ ગયું જ્યારે શ્રીલંકન સ્પિનર ​​આખા અઠવાડિયા સુધી મેદાન પર નહોતો રમ્યો. બોલરોની વનડે રેન્કિંગમાં સૌથી મોટી છલાંગ લુંગી એનગિડીએ લગાવી, જેણે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સૌથી વધુ સાત વિકેટ ખેરવી હતી અને છ સ્થાનના ફાયદા સાથે 28મા સ્થાને આવી ગયો છે.

ઓસ્ટ્રેલિયાના સીન એબોટ નવ સ્થાનના ફાયદા સાથે 48માં સ્થાને પહોંચી ગયો છે જ્યારે નાથન એલિસ 21 સ્થાન ઉપર આવીને 65મા સ્થાન પર પહોંચી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here