ભરૂચના રહાડપોર વિસ્તારમાં ડ્રેનેજના પાણી મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચેનો વિવાદ હિંસક બન્યો છે. આ વિવાદમાં ત્રણ વ્યક્તિઓએ એક પિતા-પુત્ર પર ચપ્પુથી હુમલો કર્યો, જેમાં બંનેને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે.
રહાડપોરના ન્યૂ સીમા નગરમાં રહેતા મકસુદ અહેમદ ઈમરાન શેખ અને અજીમ નગરમાં રહેતા સુહેલ ઈસ્માઈલ શેખ વચ્ચે ડ્રેનેજનું પાણી ઉભરાવાને લઈને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, સુહેલ શેખ અને અન્ય બે શખ્સોએ મકસુદ અને તેના પુત્ર શોએબ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મકસુદ શેખે સુહેલ શેખ અને અન્ય શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે સુહેલ શેખે પણ મકસુદ શેખ અને અન્ય લોકો સામે મારકૂટની ફરિયાદ દાખલ કરી છે.
ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદો નોંધી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


