RAJKOT : ખૂની હુમલામાં દેવાયત ખવડ સહિત સાત આરોપીઓની નાટકીય ધરપકડ

0
187
meetarticle

તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં  અમદાવાદ નજીકના સનાથલ ગામના ધુ્રવરાજસિંહ ચૌહાણ ઉપર ખૂની હુમલો કરી, લૂંટ કરવાના ગુનામાં છેલ્લા પાંચેક દિવસથી ફરાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ૭ આરોપીઓને ગીર સોમનાથ એલસીબીએ મૂળી તાલુકાના દૂધઈ અને વંથલી પાસેના ગાદોઈ ગામેથી ઝડપી લીધાનો દાવો કર્યો છે.

સનાથલના ધુ્રવરાજસિંહ ચૌહાણના ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં તે રૂા.૮ લાખ લઈ નહીં આવ્યાનો વિવાદ થયો હતો. જેથી ધુ્રવરાજસિંહના મોટા બાપા ભગવતસિંહ ચૌહાણે ફરિયાદ કરી હતી.  સામા પક્ષે દેવાયત ખવડે પણ ફરિયાદ કરી હતી. બંને પક્ષોએ એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

આખરે આ અદાવતનો ખાર રાખી દેવાયત ખવડ સહિતના આરોપીઓએ ધુ્રવરાજસિંહ ઉપર ચિત્રોડ ગામની સીમમાં ખૂની હુમલો કર્યો હતો. જેમાં ધુ્રવરાજસિંહે જણાવ્યું હતું કે તે ભાવનગરથી ચિત્રોડ આવ્યો હતો અને એક રિસોર્ટમાં રોકાયો હતો. જે અંગેનું સ્ટેટસ પણ તેણે સોશિયલ મીડિયામાં મુકયું હતું.

બીજે દિવસે સવારે બે મિત્રો સાથે કિયા કારમાં સોમનાથ ફરવા જતો હતો ત્યારે  દેવાયત ખવડ અને તેના મળતિયાઓ ફોરચ્યુનર અને ક્રેટા કારમાં ધસી આવ્યા હતા. તેની કારને પાંચેક વખત ટક્કર મારતાં રોડ નીચે ઉતરી ગઈ હતી. ત્યાર પછી દેવાયત ખવડ સહિતના આરોપીઓએ તેને બેફામ ગાળો ભાંડી, લોખંડના પાઈપ વડે હુમલો કરી, હાથ-પગ ભાંગી નાખ્યા હતા. એટલું જ નહીં તેનો સોનાનો ચેન અને રોકડ રકમની લુંટ ચલાવી હતી. દેવાયત ખવડે તેની સામે રિવોલ્વર તાકી કહ્યું કે જો તું પોલીસ કેસ કરીશ તો તને આ રિવોલ્વરથી જ ઠોકી નાખીશ.

આ ઘટના અંગે આરોપીઓ સામે તાલાલા પોલીસ મથકમાં લૂંટ, ખુની હુમલો અને આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી દેવાયત ખવડ લોક સાહિત્યકાર અને સેલીબ્રિટી હોવાથી આ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો. તેને પકડવા માટે અડધો ડઝન ટીમો કામે લગાડાયાનો પોલીસ દાવો કરતી હતી.

આખરે પાંચ દિવસના અંતે દેવાયત ખવડ સહિતના ચાર આરોપીઓને મૂળીના દૂધઈ ગામે આવેલા તેના ફાર્મ હાઉસમાંથી  જયારે બાકીના ત્રણ આરોપીઓને વંથલી પાસેના ગાદોઈ ગામેથી ઝડપી લીધાનો એલસીબીએ દાવો કર્યો છે. જો કે એલસીબીએ દેવાયત ખવડ સિવાયના આરોપીઓના નામ જાહેર કર્યા નથી. તેની પાછળ આરોપીઓની ઓળખ-પરેડ બાકી હોવાનું કારણ દર્શાવાયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here