હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને દ્વારકાના કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કલ્યાણપુરના નાવદ્રા, મોવાણ, હડમતીયા અને પટેલકા સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. હાલમાં ખેતરોમાં ઊભા પાકો લણણીના આરે છે. આ સમયે અચાનક વરસાદ વરસવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તૈયાર પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડી જશે અને ઉત્પાદન પર સીધી અસર થશે.
વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના તૈયાર પાકને બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હોવાથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો છે. ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક આ કમોસમી માવઠાથી થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરાવવું જોઈએ અને તેમને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ.

