છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકોએ માણાવદરમાં આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાના હસ્તે ‘આપ’નો ખેસ પહેરી લેતાં પૂર્વ મંત્રી પોતે પણ આપમાં જોડાવાના હોવાની અટકળો વધુ તેજ બની છે. વિધાનસભાની વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ધારાસભ્યના વિજય પાછળ પણ ચાવડાની મહત્વની ભૂમિકા હોવાની ચર્ચાઓ ચાલી હતી.
માણાવદરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં પૂર્વ મંત્રીના ખાસ સમર્થક ગણાતા અને જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય રિનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા, તાલુકા પંચાયતના પૂર્વ હોદ્દેદાર, સરપંચો સહિતના કેટલાક આગેવાનો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં જિલ્લાનાં રાજકારણમાં નવા- જૂનીના એંધાણ શરૂ થઈ ગયા છે. પૂર્વ મંત્રીના ખાસ સમર્થકો આપમાં જોડાતા હવે આગામી સમયમાં ચાવડા પોતે પણ આપમાં જોડાય તેવી ધારણાએ જોર પકડયું હોવાનું રાજકીય તજજ્ઞાો માની રહ્યા છે.


