અમદાવાદ શહેરની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં શાળાની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પરત ન લેવી અને શાળાની માન્યતા રદ્દ ન કરવા અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.
આ નોટિસ એક ગંભીર ઘટનાને પગલે જારી કરવામાં આવી છે, જેમાં એક ધોરણ 10ના વિદ્યાર્થીનું ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલના મુખ્ય દ્વારની બહાર બની હતી, જ્યાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો, જેના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ 20 ઓગસ્ટ 2025ના રોજ શાળા પરિસરમાં મૃતક વિદ્યાર્થીઓના પરિજનો સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, જે દરમિયાન શિક્ષકો અને આચાર્ય પર હુમલો થયો અને શાળાની મિલકતને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ 20 ઓગસ્ટે શાળા મેનેજમેન્ટને નોટિસ જારી કરી હતી, જેમાં આ ઘટના કેવી રીતે બની? સુરક્ષા વ્યવસ્થા ક્યાં નિષ્ફળ ગઈ? લોહીલુહાણ વિદ્યાર્થી શાળા પરિસરમાં કેવી રીતે પ્રવેશી શક્યો? હોસ્પિટલ લઈ જવામાં કેમ વિલંબ કરવામાં આવ્યો? તેનો ખુલાસો માગવામાં આવ્યો હતો. જોકે, શાળાએ આ નોટિસનો કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારે હવે શિક્ષણ વિભાગે હવે શાળાને બીજી શો-કોઝ નોટિસ જારી કરી છે, જેમાં શાળાની NOC પરત ન લેવી અને માન્યતા રદ્દ ન કરવા અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. આ નોટિસમાં શાળાને ત્રણ દિવસની અંદર શિક્ષણ વિભાગને જવાબ સબમિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.


