રાજકોટ નજીકના મઘરવાડા ગામમાં આવેલી આઠેક એકર જેટલી જમીન પચાવી પાડવા અંગે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે જયંતી રાજાભાઈ સુરાણી (રહે. લખમણ પાર્ક શેરી નં. 3, મોરબી રોડ) અને બેચર રાજભાઈ સુરાણી (રહે. લાખેશ્વર સોસાયટી શેરી નં. 9)ની ધરપકડ કરી હતી. જયારે ત્રીજા આરોપી શૈલેષ ધીરજલાલ ટોપીયા (રહે. શ્રીનાથ પાર્ક શેરી નં.1, કુવાડવા રોડ)ને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
નાનામવા રોડ પર મેઘમાયાનગર શેરી નં. 4માં રહેતાં સોમીબેન રાઠોડ (ઉ.વ. 73)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને સંતાનમાં 4પુત્ર અને 6 પુત્રી છે. મઘરવાડા ગામના રે.સ.નં. 362 પૈકી 2 ની 8 એકર જમીન તેમના સસરા દાનાભાઈને સાંથણીમાં મળી હતી. જે જમીન પછીથી તેમના પતિને વારસામાં મળી હતી. ત્યાર પછી તેમના પતિનું અવસાન થતાં જમીનની વારસાઈ પડી હતી. હાલમાં આ જમીન તેમના ઉપરાંત પુત્રો વગેરેના નામે છે.
કોરોનાની મહામારી વખતે તેમની આર્થિક સ્થિતિ નબળી પડતાં કામધંધા માટે થોડા દિવસો માટે બહાર ગયા હતા. 2022ની સાલમાં પોતાની વાડીએ ગયા ત્યારે તે જમીનમાં ત્રણેય આરોપીઓ હાજર હતા. જેમણે તેમને કહ્યું કે આ જમીન તેમની છે. ઘણી સમજાવટ છતાં આરોપીઓ જમીન ખાલી કરતા ન હોવાથી આખરે કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. જેના આધારે આજે કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


