અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદીમાં એક વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે નદી કિનારે હાજર કેટલાક યુવાનોની સતર્કતાથી તેમનો જીવ બચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક આવેલા નર્મદા નદીના કિનારે એક વૃદ્ધે જીવનથી કંટાળીને નદીમાં ઝંપલાવ્યું હતું. નદીમાં હાલ જળસ્તર ઊંચું હોવાથી અને પ્રવાહ પણ તેજ હોવાથી વૃદ્ધ તણાઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ગામના યુવાનો તરત જ મદદ માટે દોડી ગયા હતા. યુવાનોએ પોતાની જાનની પરવા કર્યા વિના વૃદ્ધને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. યુવાનોની આ સમયસૂચકતા અને બહાદુરીના કારણે એક જીવ બચી ગયો.
REPOTER : કેતન મહેતા, અંકલેશ્વર


