બોલિવૂડ એક્ટર ગોવિંદા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે (11 નવેમ્બર) રાત્રે ગોવિંદા પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમના મતે, એક્ટરની તબિયત લથડતા તેમને ઇમરજન્સી રૂમમાં લઈ જવાયા છે.
નોંધનીય છે કે, ઘરે બેભાન થઈ ગયા બાદ ગોવિંદાને રાત્રે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ, અભિનેતાની તબિયત સારી છે અને તે ડૉકટરોની દેખરેખ હેઠળ છે. એવું જાણવા મળ્યું છે કે અભિનેતાના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

રસપ્રદ વાત એ છે કે, ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના એક દિવસ પહેલા જ, તેઓ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા. ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલની બહારથી ગોવિંદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પોતે ગાડી ચલાવીને હોસ્પિટલ જતા જોવા મળે છે, જેમાં તે ભાવુક દેખાય છે.

