ગાયક હંસરાજ રઘુવંશીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. હંસરાજ રઘુવંશી તેમના પ્રખ્યાત ગીત ‘મેરા ભોલા હૈ ભંડારી’થી જાણીતા થયા હતા. હંસરાજે મધ્યપ્રદેશના એક શખ્સ વિરુદ્ઘ એફઆઇઆર નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે, લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર ગેંગના નામે ₹15 લાખની માંગણી કરવામાં આવી હતી. તે વ્યક્તિએ ગાયક અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

હંસરાજ રઘુવંશીએ વધુમાં કહ્યુ હતુ કે, તે વ્યક્તિ થોડા સમય પહેલા તેના લગ્નમાં હાજરી આપી હતી. તે ધીમે ધીમે તેમનો વિશ્વાસ મેળવીને નજીકનો વ્યક્તિ બન્યો હતો. ત્યારબાદ આરોપીએ તેની પાસેથી ₹15 લાખની માંગણી કરી અને જો તે પૈસા નહીં આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. હંસરાજ રઘુવંશીની ફરિયાદ બાદ, પોલીસે મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રાહુલ કુમાર નાગડે વિરુદ્ધ FIR નોંધી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હંસરાજ રઘુવંશીને મળ્યો હતો. બંનેએ એક કાર્યક્રમ માટે સાથે કામ પણ કર્યું હતું.
ગાયકે દાવો કર્યો છે કે આરોપી ધીમે ધીમે તેના પરિવારનું મન જીતી ગયો અને તેનો નાનો ભાઈ હોવાનો ડોળ કરવા લાગ્યો. જોકે, સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે તે વ્યક્તિ ગાયકના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનું શરૂ કર્યું. વધુમાં, તેણે રાહુલ રઘુવંશી નામથી પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું. આરોપીએ પોતાને હંસરાજ રઘુવંશીના નાના ભાઈ તરીકે દર્શાવ્યો અને લોકોને છેતરવાનું શરૂ કર્યું. તે ક્યારેક લોકો પાસેથી મોંઘી ભેટો માંગતો હતો અને ક્યારેક ઇવેન્ટ આયોજકોનો લાભ પણ લેતો હતો.

