લોકોના ચહેરા પર હાસ્ય ફેલાવનારા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વરસની વયે બાંદરા પૂર્વમાં તેમના નિવાસસ્થાને બપોરે અવસાન પામ્યા હતા. તેમના વિશ્વાસુ અને ૩૦ વર્ષથી પર્સનલ આસિસ્ટંટ રહેલા રમેશ કડતલાએ સમાચારને પુષ્ટી આપી હતી.
તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેમના મેનેજરે સતીષ શાહની નિધનની પુષ્ટિ કરી હતી અને તેમના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમના લગ્ન ડિઝાઈનર મધુ શાહ સાથે થયા હતા. ફિલ્મ ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેમના યોગદાનની પ્રશંસા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

૨૫ જૂન ૧૯૫૧માં જન્મેલા શાહે ભારતીય સિનેમા અને ટેલિવિઝન ક્ષેત્રે બહોળો ફાળો આપ્યો છે અને એક પ્રખ્યાત વ્યક્તિ હતી. છેલ્લા ચાર દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ફિલ્મો અને ટેલિવિઝન પર યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. ૧૯૮૩ની વ્યંગ ફિલ્મ ‘જાને ભી દો યારો’થી તેમને ખાસ ઓળખ આપી હતી. ‘માલામાલ’, ‘હીરો હીરાલાલ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મૈં હૂં ના’, ‘કલ હો ના હો’, ‘કભી હાં કભી ના’, ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
‘સારા ભાઈ વર્સિસ સારા ભાઈ’માં તેમનો રોલ યાદગાર હતો.સતીશ શાહનો જન્મ ગુજરાતના માંડવીમાં થયો હતો. તેમણે ૨૫૦થી અધિક ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું.

