શેખર કપૂર આશરે એક દાયકા બાદ ‘પાની’ ફિલ્મના તેના પ્રોજેક્ટને રિવાઈવ કરશે. આ ફિલ્મ તે એઆઈની મદદથી બનાવશે એવી તેણે જાહેરાત કરી છે. અગાઉ પણ શેખર કપૂર જાહેર કરી ચૂક્યો છે કે એઆઈના કારણે તેનું સ્ક્રિપ્ટ રાઈટિંગનું કામ વધારે સરળ અને ઝડપી બન્યુું છે.

શેખર કપૂર મૂળ આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતને લઈને બનાવવાનો હતો. પરંતુ, છેલ્લી ઘડીએ પ્રોડયૂસર યશરાજ ફિલ્મ્સ દ્વારા હાથ અદ્ધર કરી દેવાતાં આ પ્રોજેક્ટ અટકી પડયો હતો. તેના કારણે સુશાંત ડિપ્રશનમાં જતો રહ્યો હોવાનું કહેવાય છે. બીજી તરફ શેખર કપૂર ‘માસૂમ ટુ ‘ પણ બનાવવાની જાહેરાત કરી ચૂક્યો છે. હવે તે બે ફિલ્મો પર એકસાથે ફોકસ કરી શકે છે કે કેમ તે એક સવાલ છે કારણ કે શેખર કપૂરની ગણના ‘આરંભે શૂરા…’ ફિલ્મ સર્જકોમાં થાય છે. તે જેટલી જાહેરાતો કરે છે તેટલું કામ કરતો નથી.

