સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન તૂટયા બાદ સોશિયલ મીડિયામાં અટકળોનો દોર શરૂ થયો હતો. લગ્ન તૂટવાનું કારણ પલાશ મુચ્છલ હોવાની ચર્ચાએ વેગ પકડયો હતો. જો કે કયારેય સ્મૃતિ અને પલાશે આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. દરમિયાન સ્મૃતિ મંધાનાના મિત્ર વિદ્યાન માનેએ એક ઇન્ટરવ્યુમાં પલાશ મુચ્છલ અને તેની માતાને ચિટર કહ્યા હતા. જેના બાદ પલાશે આ મુદ્દે કાયદાકીય પગલાં લેતા વિદ્યાન પર માનહાનિનો દાવો કર્યો હતો. જેમાં બોમ્બે હાઈકોર્ટે સ્મૃતિ મંધાનાના મિત્ર વિદ્યાન માનેને પલાશ મુચ્છલની છબી ખરાબ ના કરવાનો ચેતવણી આપી.
પલાશ મુચ્છલે સ્મૃતિ મંધાનાના મિત્ર વિદ્યાન માને સામે બદનક્ષીનો દાવો કર્યો. પલાશે વકીલો સિદ્ધેશ ભોલે, અશ્વિન પિંપળે અને શ્રેયસ મીઠારે દ્વારા, તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ મીડિયા અને છાપામાં બદનક્ષીભર્યા નિવેદનો આપવા બદલ માનહાની કેસ, વળતર તેમજ કાયમી મનાઈ હુકમની માંગણી માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પલાશના વકિલોએ રજૂઆત કરી કે માનેના ઇન્ટરવ્યુથી “પલાશના પરિવારની પ્રતિષ્ઠાને ગંભીર અસર થઈ છે.

કેસની સુનાવણીમાં કોર્ટને બેન્ચે વિદ્યાન માનેના ઇન્ટરવ્યુના ટ્રાન્સક્રિપ્ટનો અભ્યાસ કર્યો અને કહ્યું, “ટ્રાન્સક્રિપ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે વાદી અને પ્રતિવાદી નંબર 1 વચ્ચે વ્યવસાયિક વિવાદ છે.” બેન્ચે મુછલની લાયકાતની નોંધ લેતા કહ્યું, “વાદી ભારતીય સંગીત અને ફિલ્મ ઉદ્યોગમાં એક પ્રખ્યાત સંગીતકાર અને ફિલ્મ નિર્માતા છે… તેમને છ પુરસ્કારો મળ્યા છે.” બધી સામગ્રીનો અભ્યાસ કર્યા પછી, બેન્ચે ઠરાવ્યું કે વિદ્યાન માને ઉપરોક્ત ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલા પ્રકાર અને પ્રકૃતિના કોઈપણ સંદર્ભો અથવા સંકેતો આપવાથી રોકે, જે વાદી અને તેની માતા પર હુમલો કરે છે અને પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીકારક છે. જેના બાદ કોર્ટે માનેને પલાશ મુચ્છલની છબી ખરાબ ના કરવા ચેતવણી આપી.
વાસ્તવમાં સ્મૃતિ મંધાનાના મિત્ર વિદ્યાન માનેએ સાંગલીમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ કાનૂની વિવાદ ઉભો થયો હતો. માનએ પલાશ ફ્રોડ હોવાનો આરોપ મૂકયો હતો. પલાશ મુછલે ફિલ્મના નિર્માણ માટે તેમની પાસેથી ₹40 લાખ લીધા હતા, પરંતુ ફિલ્મ ક્યારેય પૂર્ણ થઈ ન હતી. માનેના દાવાઓને સમર્થન આપતા દસ્તાવેજો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન વિદ્યાન માનેએ એક ઇન્ટરવ્યુમાં એવો પણ દાવો કર્યો હતો કે સ્મૃતિ અને પલાશના લગ્ન તૂટવાનું કારણ પલાશ પોતે જ છે. કારણ કે લગ્ન પહેલાં પલાશ એક મહિલા સાથે પથારીમાં રંગે હાથે પકડાયો હતો. માનેના આ નિવેદન બાદ પલાશે તેની સામે માનહાનિનો દાવો ઠોકયો.
