ટીવી જગતનો લોકપ્રિય ચહેરો અને સિરિયલ ‘અનુપમા’થી જાણીતા બનેલા અભિનેતા ગૌરવ ખન્નાના ચાહકો માટે મોટા સમાચાર છે. રિયાલિટી શો ‘બિગ બોસ 19’માં પોતાનું નસીબ અજમાવી રહેલા ગૌરવ ખન્નાને હવે નાના પડદાથી સીધા બોલિવૂડના મોટા પડદા પર કામ કરવાની તક મળી છે, અને આ ઓફર ખુદ સુપરસ્ટાર અને શોના હોસ્ટ સલમાન ખાને કરી છે.
શનિવારે (29મી નવેમ્બર) ‘બિગ બોસ 19’ના ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાને ગૌરવ ખન્નાના વર્તન અને ધીરજની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “ગૌરવ ખન્નાની પત્ની આદર કરે છે. તેના માતા-પિતાને તેના પર ગર્વ હોવો જોઈએ. મિત્રોને તેના પર ગર્વ હોવો જોઈએ. લોકો તેની સાથે કામ કરીને ખુશ હોવા જોઈએ.’
આ પ્રશંસા બાદ સલમાન ખાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘હકીકતમાં, મને તેની સાથે કામ કરવાનું ગમશે. હું ટૂંક સમયમાં ગૌરવ સાથે કામ કરીશ.’ આ સાંભળીને ગૌરવ ખન્ના ભાવુક થઈ ગયો અને તેણે સલમાન ખાનનો આભાર માન્યો હતો.

‘વીકેન્ડ કા વાર’ દરમિયાન સલમાને ઘરના સભ્યોને ગૌરવના ગેમપ્લે પર તેમના વિચારો શેર કરવા જણાવ્યું હતું. અન્ય સભ્યોએ તેના પર દંભી કે વધુ પડતો વ્યૂહાત્મક હોવાનો આરોપ લગાવ્યો, પરંતુ સલમાને ગૌરવના શાંત અને સંયમિત વર્તનની પ્રશંસા કરી. સલમાને કહ્યું, ‘જો આ તમારી વ્યૂહનીતિ છે, તો ગૌરવ ખન્નાને સલામ, કારણ કે આ વાતાવરણમાં ધીરજ રાખવી લગભગ અશક્ય છે… ભાઈ, તને સલામ.’ગૌરવ ખન્નાએ ‘સેલિબ્રિટી માસ્ટર શેફ’ જીત્યા બાદ ‘બિગ બોસ 19’માં ભાગ લીધો છે. હવે સલમાન ખાન તરફથી ખુલ્લી ઓફર મળતાં ટીવીના આ સુપરસ્ટારની બોલિવૂડમાં એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવે છે.

