ભોજપુરી ઉદ્યોગના પાવર સ્ટાર પવન સિંહના જન્મદિવસની પાર્ટી દરમિયાન અચાનક મોટો હંગામો થયો. પાર્ટીમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા અને ગાયક પવન સિંહે 5 જાન્યુઆરીએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના દિવસે લખનૌમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં ફિલ્મ જગત અને રાજકીય ક્ષેત્રના અનેક જાણીતા લોકો હાજર રહ્યા હતા. આહાના કુમરા, કુબ્બ્રા સૈત અને કીકુ શારદા જેવા સેલેબ્સ પણ પવન સિંહને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

શરૂઆતમાં પાર્ટીમાં લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. મુઝીક, ડાન્સ અને ઉજવણી વચ્ચે રાત્રે 12 વાગ્યે કેક કટિંગ થયું. આ સમયે પવન સિંહના નજીકના મિત્ર વિશાલ સિંહ પણ હાજર હતા. પરંતુ થોડીવાર બાદ પાર્ટીમાં એવું કંઈક બન્યું કે આ ખુશીના માહોલમાં અફરાતફરી મચી ગઈ.સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં જોવા મળે છે કે પવન સિંહના બોડીગાર્ડ્સે તેમના નજીકના મિત્ર વિશાલ સિંહને સ્ટેજ પરથી ધક્કો મારી નીચે ફેંકી દીધા. આ ઘટના એટલી અચાનક હતી કે હાજર લોકો પણ ચોંકી ગયા. ધક્કો લાગ્યા બાદ વિશાલ સ્ટેજ પરથી નીચે પડી ગયા.
આ ઘટનાથી ગુસ્સે થયેલા વિશાલ ફરી સ્ટેજ પર ચઢ્યા અને બોડીગાર્ડ્સ સાથે દલીલ કરવા લાગ્યા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. સ્થિતિ બગડતી જોઈને ત્યાં હાજર કેટલાક લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટનાના સમયે પવન સિંહ સ્ટેજ પર હાજર ન હતા, જે પણ ચર્ચાનો વિષય બન્યો છે.હજુ સુધી આ વિવાદ પાછળનું કારણ સામે આવ્યું નથી. પવન સિંહ કે વિશાલ સિંહ બંનેમાંથી કોઈએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પવન અને વિશાલ વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી. વિશાલ પવન સિંહને “ભૈયા” કહીને સંબોધે છે અને બંનેને ઘણીવાર સાથે જોવા મળ્યા છે.
વિશાલ સિંહ વ્યવસાયે એક અભિનેતા છે અને હાલમાં ઝી ટીવીના શો “ગંગા માઈ કી બેટિયાં”માં કામ કરી રહ્યા છે. તે બિહારની મનીષા રાનીનો મેનેજર પણ છે. આ ઘટના બાદ ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને સત્ય બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે.
