સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે, ‘હું કાનૂની ક્ષેત્રમાં મારા કામ માટે જાણીતા છે, પરંતુ રખડતા શ્વાનના કેસથી હવે મને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયા મને ઓળખવા લાગી છે.’ તેમણે રખડતા શ્વાન સંબંધિત કેસ સોંપવા બદલ ભારતના મુખ્ય ન્યાયાધીશનો આભાર વ્યક્ત કર્યો.
‘કોર્ટે જનતાનો વિશ્વાસ જાળવી રાખ્યો’
કેરળમાં માનવીઓ અને પ્રાણીઓ વચ્ચે ઊભી થતી સમસ્યાઓ પર આયોજિત એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે હાજરી આપી હતી. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) અને કેરળ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (KeLSA)એ તિરુવનંતપુરમમાં એક પરિષદનું આયોજન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોએ પણ તેમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે, ‘એક કાર્યક્રમ દરમિયાન ઘણાં લોકોએ મને શ્વાનના મુદ્દા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. તે કાર્યક્રમમાં ઘણાં વકીલ સંગઠનોના પ્રમુખો પણ હાજર હતા. મને સંદેશાઓ મળે છે કે શ્વાન પ્રેમીઓ ઉપરાંત, શ્વાન પણ મને આશીર્વાદ આપી રહ્યા છે. આપણી કોર્ટે જનતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. આપણા સંસાધનો ફક્ત સરકારના જ નહીં પરંતુ જનતાના પણ છે અને આને આગામી પેઢી માટે પણ સુરક્ષિત રાખવા પડશે.’
શ્વાન કેસમાં ત્રણ જજની બેન્ચે આપ્યો હતો ચુકાદો
ઉલ્લેખનીય છે કે, ’11મી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાજધાની દિલ્હીમાં રખડતા શ્વાનની સમસ્યા અંગે એક આદેશ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં રખડતા શ્વાનને પકડીને આશ્રય ગૃહમાં ખસેડવામાં આવે. આ પછી પ્રાણી અધિકાર કાર્યકરો અને શ્વાન પ્રેમીઓએ આ નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કર્યું. સીજેઆઈએ આ કેસ જસ્ટિસ નાથની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચને સોંપ્યો.
ત્રણ જજની બેન્ચે 22મી ઓગસ્ટના રોજ સુધારેલો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ નાથની સાથે જસ્ટિસ સંદીપ મહેતા અને એન.વી. અંજારિયા પણ હતા. બેન્ચે કહ્યું કે, ‘શ્વાનને રસી આપ્યા પછી અને ડીવાર્મ દવા આપ્યા પછી, તેમને તે આશ્રયસ્થાનમાંથી પાછા છોડી દેવા જોઈએ જ્યાંથી તેમને લાવવામાં આવ્યા હતા.


