ડભોઇ નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર તા.27 થી શરૂ થતા ગણેશ ઉત્સવ માટે દરેક યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રીજી મહોત્સવની વધતી લોકોમાં ધાર્મિક ભાવનાને લઈને ચાલુ વર્ષે તાલુકામાં આવેલ ગામોમાં ગણેશ મંડળો નો ઉમેરો થવા પામેલ છે. ડભોઇ નગર અને તાલુકા સહિત નાના મોટા મળીને સાતસો ઉપરાંત શ્રીજી ની સ્થાપના થશેનો અંદાજ છે.ડભોઇ નગરના રંગ ઉપવન સામે મંડપો ઉભા કરી શ્રીજીની મૂર્તિઓ વેચાણ અર્થે મુકવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી તો શ્રીજી ને સ્થાપના સ્થળે લઈ જવા માટેની આયોજકો દ્વારા ધાર્મિક ભજનો સાથે તૈયારીઓનો પ્રારંભ થઇ ગયો હતો.
જ્યારે મંડપ ડેકોરેશન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ યુવક મંડળો દ્વારા બુક કરાવી પોતાના સ્થાપના સ્થળે ગોઠવી દેવાની તૈયારીમાં લાગી ગયેલા જોવા મળે છે. ડભોઇ પંથકમાં મેઘરાજાએ સમાયંતરે વરસવાનું ચાલુ રાખતા શ્રીજી મહોત્સવના આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. એમ છતાં આયોજકો દ્વારા વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તાડપત્રીઓ તેમજ પતરાઓ મંડપ પર ગોઠવી દીધા હતા. બુધવાર ને તારીખ 27 – 8 થી ડભોઇ પંથકમાં દસ દિવસ માટે દુધાળા દેવ આતિથ્ય માણશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ મોઘેરા મહેમાનના આતિથ્યનો પુરો ફાયદો ઉઠાવશે અને મનના ઓરતા પુરા કરવા શ્રી ગણેશજીને મનાવવા આજીજી કરશે અને ભજન કીર્તન કરવામાં આવશે. એકબીજાથી ચડિયાતા દેખાવા માટે મંડળો ફૂલ ડેકોરેશન, લાઈટ મુવિંગ અને ભજન મંડળીઓ લાવશે. આજરોજ ડભોઇ નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગણેશભક્તો શ્રીજીની પ્રતિમા ને લેવા માટે રંગ ઉપવન સામે આવેલ દુકાનો પર આવ્યા હતા. તેમજ કેટલાક મંડળો શ્રીજી ની પ્રતિમા બુક કરાવવા માટે આવ્યા હતા.વડોદરાથી ડભોઇના યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને લાવી વાજતે ગાજતે રાધે કોમ્પ્લેક્સ પાસેથી જતા જોવા મળતા હતા.આ આખો વિસ્તાર ભક્તિમય રંગમાં રંગાયેલો જોવા મળતો હતો.
ઇન્દ્રપુરી સોસાયટી તથા સવિતા પાર્કના સ્થાપના સ્થળે લઇ જવા માટે ધાર્મિક ભજનના ડીજે ના તાલ સાથે શ્રીજીની સવારીઓનો પ્રારંભ થતા યુવક મંડળના રહીશો, ભાઈઓ, બહેનો તથા સોસાયટી વિસ્તારના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. લંબોદર યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે શ્રીજીની સવારી સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી. ડભોઇ દર્ભાવતિ નગરી તરીકે પ્રસિદ્ધ છે. અને ધાર્મિક તેમજ સામાજીક તહેવારો ઉજવવામાં હંમેશા તે આગળ રહે છે. રાજમાર્ગો પર શ્રીજીની સવારીઓ પસાર થતા તે નિહાળી નગરજનોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી મહોત્સવ દરમ્યાન ડભોઇ નગર સહિત તાલુકા પંથકના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ડીવાયએસપી તેમજ પીઆઇ દ્વારા સઘન પોલીસ બંદોબસ્તનું આયોજન પણ કરેલ છે.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ



