ભારતમાં સક્રિય બનાવટી કોલ સેન્ટરો દ્વારા વિદેશમાં નાગરિકો સાથે છેતરપિંડી કરવાનું મોટું રેકેટ ઝડપાયું છે. ખાસ કરીને અમેરિકાના નાગરિકોને નિશાન બનાવવા ચાલતા કોલ સેન્ટરોનો રાફડો ફાડયો છે. જેને રોકવા માટે હવે કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઇ ગઇ છે. તપાસ એજન્સી ઇડીએ સાઇબર ઠગીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આશરે ૧૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે વિવિધ સ્થળે દરોડા પાડયા હતા.
દિલ્હી અને ગુરુગ્રામમાં આરોપીના આશરે સાત જેટલા સ્થળો પર ઇડીની ટીમ ત્રાટકી હતી, આ પહેલા આ જ મામલામાં સીબીઆઇ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. જાણકારી મુજબ કેટલાક યુવાઓએ મળીને અમેરિકી નાગરિકો પાસેથી બેથી ત્રણ વર્ષ દરમિયાન ૧૫ મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે ૧૩૦ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ત્રણ યુવકો આ સમગ્ર રેકેટના મુખ્ય આરોપીઓ છે જેમના નામ અર્જુન ગુલાટી, દિવ્યાંશ ગોયલ અને અભિનવ કાલરા છે. તેઓ નોઇડા અને ગુરુગ્રામમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવી રહ્યા હતા. આ કોલ સેન્ટરો ટેક્નીકલ સહાયતા આપવાના બહાને અમેરિકી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા.
આરોપીઓ પીડિતોના બેંક ખાતા સુધી ગેરકાયદે પહોંચતા હતા અને પછી રૂપિયા વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા બાદમાં જટિલ દેનદેનના માધ્યમથી આ રૂપિયા ભારત પહોંચી જતા હતા. તાજેતરમાં પુણે પોલીસે પણ મોટા સાયબર અપરાધનો પર્દાફાશ કર્યો હતો અને એક બનાવટી કોલ સેન્ટરની પોલ ખોલી હતી. આ સેન્ટર દ્વારા પણ હજારો અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરાઇ હતી.


