મહેસાણા જિલ્લામાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડાનું કવરેજ કરવા પત્રકારો ત્યાં પહોંચે છે ત્યારે આ પત્રકારો પર ફેક્ટરીના માલિક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પત્રકારો પર હુમલો થતાં ભારે ચકચાર મચી ગયો હતો. આ મામલે હુમલાખોરો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટના મહેસાણાના આવકાર વેરહાઉસમાં બની હતી. જ્યાં નકલી પનીર બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી.
ફેક્ટરીના માલિક દિનેશ પટેલ અને અન્ય બે શખ્સોએ પત્રકારો પર કર્યો હુમલો
આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવા અને સમાચાર કવર કરવા માટે કેટલાક મીડિયાકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ ફેક્ટરીના માલિક દિનેશ પટેલ અને અન્ય બે શખ્સોએ પત્રકારોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પત્રકારોએ કવરેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે ફેક્ટરીના માલિક અને અન્ય બે શખ્સોએ પત્રકારો પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પત્રકારો પર થયેલા આ હુમલા બાદ વિજાપુર પોલીસ મથકે તાત્કાલિક આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ, પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે હુમલાખોર દિનેશ પટેલ અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. પત્રકારો પર થયેલા હુમલા પાછળનો મુખ્ય હેતુ નકલી પનીર બનાવતા કૌભાંડને દબાવી દેવાનો હતો. આવા નકલી ખાદ્ય પદાર્થો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોય છે. આવા કૌભાંડને ખુલ્લા પાડવામાં પત્રકારોની ભૂમિકા મહત્વની હોય છે. અને આવા હુમલાઓ લોકશાહીના ચોથા સ્તંભ પર પ્રહાર સમાન છે.


