સુરતના લસકાણા વિસ્તારમાં બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. લસકાણા પોલીસે બાતમીના આધારે બળિયાદેવ મંદિર સામે આવેલા ઉમિયા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-3માં ચાલતી ‘ઓમ ક્લિનિક’ પર દરોડો પાડી નકલી ડોક્ટર ઉત્પલ રાજકુમાર રાય (રહે. રવિ સોસાયટી, ચીકુવાડી, કાપોદ્રા)ની ધરપકડ કરી હતી.
આરોપી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈ ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથિક દવાઓનો જથ્થો રાખી દર્દીઓની સારવાર કરી રહ્યો હતો, જેનાથી લોકોના આરોગ્ય અને જીવનને ગંભીર જોખમ ઉભું થઈ શકે છે.પોલીસે દરોડા દરમિયાન ક્લિનિકમાંથી દવાઓ અને મેડિકલ સામગ્રી સહિત રૂ. 2,065નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે આરોપી ઉત્પલ રાય, જે મૂળ વેસ્ટ બંગાલનો રહેવાસી છે, તે ડોક્ટરની ડિગ્રી વિના લસકાણા ગામમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો અને બીમાર દર્દીઓની સારવાર કરી તેમના જીવન સાથે ચેડા કરી રહ્યો હતો. આવી બેદરકારીભરી પ્રવૃત્તિ દર્દીઓની શારીરિક સલામતી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.લસકાણા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં નકલી ડોક્ટરો અને ગેરકાયદેસર ક્લિનિકો સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી કરી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે, જેમાં આરોપીની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શક્યતાઓ પણ તપાસવામાં આવશે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


