રાજ્યમાં ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ સતત વધી રહ્યું છે. અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ઓનલાઈન મળતી હોવાથી લોકો એક ક્લીકમાં જ ખરીદી કરી શકે છે. પરંતુ ઓનલાઈન વેચાતી આ પ્રોડક્ટો નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતના કામરેજમાં અલગ અલગ કંપનીના નકલી શેમ્પૂનો જથ્થો ઝડપાયો છે.
શહેરમાં નવાગામ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ શેમ્પૂનું કારખાનું ધમધમતુ હતું.પોલીસે મુકુંદ માવાણી નામના વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કામરેજ વિસ્તારમાં સ્થિત નવાગામ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નકલી શેમ્પૂનું કારખાનું ધમધમતુ હતું. આ કારખાનામાંથી ઓનલાઈન વસ્તુઓ વેચવામાં આવી હતી. શેમ્પૂની બોટલ પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવવામાં આવતા હતાં. આ શેમ્પૂનું ફ્લિપકાર્ટ સહિતની ઓનલાઈન તેમજ રિટેલ અને હોલસેલમાં વેચાણ કરવામાં આવતુ હતું. પોલીસે બાતમીને આધારે કારખાનામાં રેડ પાડી હતી.પોલીસે આ રેડ દરમિયાન કારખાનામાંથી હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીના સ્ટીકર વાળી 4115 નંગ, પેન્ટીન કંપનીની 50 નંગ નકલી શેમ્પૂની બોટલો ઝડપી પાડી હતી. પોલીસે કૂલ 49.76 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યાં કામરેજના લાસકાણા વિસ્તારમાં રહેતા મુકુંદ માવાણી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


