માંડલ-રામપુરા રોડ ઉપર ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. રોડની સાઈડમાં ખાઈમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ખેતરોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ખેડૂતોમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.
માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ ધમધમી રહી છે અને આખોય વિસ્તાર ઔદ્યોગિકની દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યો છે પરંતુ કેટલીક કંપનીઓને કારણે આસપાસના રહીશો,વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. માંડલ રામપુરા ચોકડીથી એંદલા સુધી જતાં રોડ ઉપર કોઈ ખાનગી ઔદ્યોગિક કંપની દ્વારા ટેન્કર મારફતે દૂષિત પાણીનો નિકાલ થઈ રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે. એક જાગૃત નાગરિકે વહેલી સવારે કેમિકલયુક્ત પાણી ઠાલવવા જતાં ટેન્કરનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.માંડલ-રામપુરા રોડ ઉપરની સાઈડમાં આવેલ ખાઈમાં આ ટેન્કર દ્વારા દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે જેથી ચોમાસાના પાણી સાથે મિક્ષ થઈને આગળ કેનાલો, નહેરોમાં આવા પાણી વહી જાય અને કેનાલોમાંથી ગંદા પાણી ખેડૂતોના સીમ ખેતરોમાં જશે તો ઉભાં પાકને નુકસાનની ભીતી પણ સેવાઈ રહી છે. દરરોજ સવારે આ પીળાં કલરનું ટેન્કર રોડની સાઈડમાં દૂષિત પાણીનો નિકાલ કરે છે જેને પગલે વિસ્તારમાં, વાહન ચાલકોમાં રોગચાળાનો પણ ભય રહેલો છે તેવું આ વિડીયોમાં પણ જણાવવામાં આવી રહ્યું છે. તો આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ પણ ઉઠવા પામી છે.


