ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવાથી ચિંતામાં વધારો થયો છે. સોરાષ્ટ્રમાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રના મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવેતર સમયે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી
ખેડૂતોનું કહેવું છે કે, જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે તેમને સમસ્યા ઓછી છે. પરંતુ જે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતો માટે વરસાદ ખેંચાતા ચિંતા પ્રસરી ગઈ છે. બે દિવસથી વરસાદી ઝાપટા પડે છે પરંતુ આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તો ખેતરમાં વાવેલો પાક બચી શકે છે. જો વરસાદ ખેંચાશે તો પાક ઓછો આવશે અને નિષ્ફળ જવાની શક્યતાઓ પણ છે. સમગ્ર સૌરાષ્ટ્રના મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 66.22 ટકા પાણીનો જથ્થો
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.63 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.55 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.આ ઉપરાંત કચ્છમાં 64.16, ઉત્તર ગુજરાતમાં 66.09, મધ્ય ગુજરાતમાં 66.12 અને સૌરાષ્ટ્રમાં 55.43 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 66.22 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે 16 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.


