બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસે સ્થિત ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકોએ ટેક્સ માફીની માગ કરી છે. આ ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટેક્સ લેવાનો શરૂ કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
આ ઉપરાંત સર્વિસ રોડ સહિતની સુવિધાઓના અભાવને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આગામી 18 ઓગસ્ટે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
18 ઓગસ્ટે ખેડૂતો એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કરશે
પાલનપુર પાસેના ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલ વસૂલાતા આક્રોશ ફેલાયો છે. આગામી 18 ઓગસ્ટે ખેડૂતો અને સ્થાનિકો દ્વારા એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સ્થાનિક ખેડૂતો અને લોકોને ટોલમાંથી મુક્તિ આપવા માગ કરાઈ છે. ખેડૂતોએ નેશનલ હાઇવે પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.
બીજી તરફ ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, ટોલ પ્લાઝાથી 20 કિ.મીના અંતરમાં રહેતા લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ. લોકોએ એવું પણ કહ્યું હતું કે, આ ટોલ પ્લાઝાના સંચાલકો એક કિ.મીના અંતરમાં રહેતા લોકો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલે છે.
ખેડૂતોની નેશનલ હાઇવે પર ઉતરવાની ચિમકી
ખેમાણા ટોલ ટેક્સમાં માફી આપવાની સ્થાનિકોની માગ મુદ્દે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્ર સિંહ રાજપૂતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમા પાંચ કિ.મી સુધી આવતા ગામડાના લોકોએ એક પાસ લેવાનો રહેશે. ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. માસિક 100 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. તેમણે કહ્યું હતું કે, માસિક 350 રૂપિયાનો પાસ મેનેજમેન્ટને કહી 100 રૂપિયાની કિંમતનો કરાવાયો છે. આ નિવેદન સામે લોકોમાં રોષ ફેલાયો છે.


