ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના દેખાવવાના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેળાના ખેતરોમાં દીપડાના સતત દેખાવાથી લોકોની ચિંતા વધી ગઈ હતી, જેના પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.
ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ઝઘડિયા વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે, ગઈકાલે રાત્રે દીપડો આ પાંજરામાં પૂરાઈ ગયો હતો, જેનાથી સમગ્ર ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે દીપડાને પાંજરામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તેને પ્રાથમિક તબીબી તપાસ માટે ખસેડ્યો હતો. હાલ વન વિભાગ દ્વારા દીપડાનું આરોગ્ય તપાસી તેને કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી ઉમધરા ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો અંત આવ્યો છે અને તેઓએ વન વિભાગની આ કામગીરીની સરાહના કરી છે.
Repoter : કેતન મહેતા, ભરૂચ


