રાજ્યભરમાં વરસાદને કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યારે રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
‘કાળો કાયદો’ ગણાવી વિરોધ
રાજકોટમાં 8 ઓગસ્ટથી હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ અને NSUIના કાર્યકરો આ નિયમને ‘કાળો કાયદો’ ગણાવી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી સારા રસ્તાઓ ન બને ત્યાં સુધી હેલ્મેટ ફરજિયાત ન કરવું જોઈએ. ‘પહેલા સારા રસ્તા તો બનાવો’ એવી માંગ સાથે આજે કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
હેલ્મેટના વિરોધમાં સહી ઝુંબેશ
રસ્તા અને ફરજિયાત હેલ્મેટના વિરોધના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ચાર રસ્તા પર એક ટેબલ મૂકીને હેલ્મેટ ફરજિયાતના વિરોધમાં લોકોના અભિપ્રાય અને સહીઓ એકત્રિત કર્યા હતા. વાહન ચાલકો અને નાગરિકોને હેલ્મેટના વિરોધમાં સહી કરવાની અપીલ કરવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં લોકો આ સહી ઝુંબેશમાં જોડાયા હતા.
કોર્પોરેશન પર આકરા પ્રહારો
કોંગ્રેસના કાર્યકરોએ કોર્પોરેશન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં સારા રસ્તા જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે. આ સંજોગોમાં હેલ્મેટ ફરજિયાત કરીને લોકોને દંડ ફટકારવાનો આ નિર્ણય અયોગ્ય છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ફંડ એકઠું કરવા માટે આ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે.


