સંસ્કૃતના પ્રચાર માટે સંસ્કૃત દૈનિક અખબારો કાઢવામાં આવ્યા છે. હાલ દેશમાં ત્રણ સંસ્કૃત અખબાર નીકળે છે. જેમાં છેલ્લા ૧૨ વર્ષથી વડોદરામાંથી નીકળતું સંસ્કૃત વર્તમાનપત્રમ જે નિઃશુલ્ક આપવામાં આવે છે. બીજુ સુરતનું “વિશ્વસ્ય વૃતાંત” અને ત્રીજુ સૌથી જૂનું મૈસુરનું” સુધર્મ “જેની શરુઆત ૧૫ જુલાઈ ૧૯૭૦ના રોજ વિદ્વાન પંડિત વર્દરાજ ઐયંગરે કરી હતી.
દેશભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી તા.૩૧ જુલાઈથી ૬ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. આ અંતર્ગત એમ.એસ.યુનિ.ની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટના પ્રો.નંદકિશોરે કહ્યું કે ઘર-ઘર સુધી સંસ્કૃત ભાષા પહોંચે તે હેતુથી ૧૯૭૦માં દુનિયાનું પહેલું સંસ્કૃત નિઃશુલ્ક દૈનિક વર્તમાન પત્ર ચાલું કરવામાં આવ્યું હતું. બે પેજ અને પાંચ કોલમના આ ન્યૂઝપેપરમાં વેદ, યોગ, ધર્મ અને રાજકારણ વિશે આર્ટિકલ આપવામાં આવતા હતા. ન્યૂઝપેપરની શરુઆત ૧ હજાર કોપીથી થઈ હતી. જો કે ૨૦૦૯થી વિશ્વના ૯૦ દેશોમાં ઈ પેપર સ્વરુપે જાય છે જેના એક લાખથી વધુ વાંચકો છે. સુધર્મના એડિટર કે.વી.સંપથકુમાર અને તેમના પત્ની જયાલક્ષ્મી કેએસને ૨૦૨૦માં જ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે.
શહેરમાં સંસ્કૃતનો પ્રચાર કરતી સંસ્થા દેવસાયુજ્યસંસ્કૃત પ્રતિષ્ઠાનમના સ્થાપકે કહ્યું કે દેશમાં વિવિધ ડે તારીખ પ્રમાણે ઉજવવામાં આવે છે જ્યારે સંસ્કૃત એકમાત્ર દિવસ છે જે તીથિ શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ૧૯૬૯થી દેશમાં સંસ્કૃત રાષ્ટ્રીય દિનની ઉજવણી થાય છે. વર્ષ ૨૦૦૨ને સંસ્કૃત વર્ષ તરીકે ઘોષણા કરી હતી. હવે આ દિવસને સંસ્કૃત સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.
“વિશ્વસ્ય વૃતાંત”:
આ ભારતનું એકમાત્ર સંસ્કૃત દૈનિક અખબાર તરીકે ઓળખાય છે, જે સુરતથી પ્રકાશિત થાય છે. આ અખબારનું સંચાલન દાઉદી વ્હોરા સમાજના બે મુસ્લિમ ભાઈઓ, મુર્તુઝા ખંભાતવાલા અને સૈફી સંજેલીવાલા (મામા-ભાણેજ) દ્વારા કરવામાં આવે છે, જે સામાજિક સદ્ભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાંથી પ્રકાશિત થતા ”વિશ્વસ્ય વૃતાન્તઃ” સંસ્કૃત ન્યુઝ પેપરનાં મેનેજિંગ એડિટર મુર્તુઝા ખંભાતવાલાએ જણાવ્યુ કે ધો-૧૦માં ઓપ્શનલ વિષય તરીકે સંસ્કૃત રાખનારો ક્લાસમાં હું એકમાત્ર વિદ્યાર્થી હતો. સંસ્કૃત મારો વિષય નહી હતો. પરંતુ પરિણામ આવ્યુ ત્યારે સૌથી વધુ માર્કસ સંસ્કૃતમાં હતા. અને મને સંસ્કૃત ભણવાની પણ ખુબ મજા પડી હતી. ત્યારથી જ સંસ્કૃતમાં કંઇક કરવુ છે એવી ભાવના થઇ હતી. દરમિયાન ૨૦૧૧માં સુરતમાં ડી.સી.ભટ્ટ સાથે સંસ્કૃત પેપર ચાલુ કર્યુ. જેની સંપુર્ણ જવાબદારી મેં સ્વીકારી હતી. પરંતુ બે-ત્રણ વર્ષમાં રીડરશીપ ન મળતા પેપર બંધ કરવાની નોબત આવી. ત્યારે સોશિયલ મિડીયાનો પણ ફેલાવો ન હતો. બાદમાં પેપર બંધ થાય એવું હું ઇચ્છતો ન હતો. અને મામા સૈફિ સંજેલીવાલાને આર્થિક સપોર્ટ કરવાનું જણાવતા તેમણે શુભસ્ય શીઘ્રમ મુજબ સમર્થન કર્યુ અને પેપર બાદમાં અમે ચાલુ રાખ્યુ. આજે ડેઇલી ચાર પાનાનું તમામ પ્રકારની ખબરો સાથેનું પેપર નીકળે છે. પેપરમાં રાજકારણ, સાંપ્રત ઘટના-સમસ્યાઓ, સ્પોર્ટસ, હેલ્થ, ફિલ્મી સમાચાર, સ્પેશિયલ કોલમ વગેરેનો સમાવેશ થાય છે. હાર્ડકોપી સાથે સોશિયલ મીડિયામાં ‘વિશ્વસ્ય વૃતાંતમ્’નો મોટો વાચક વર્ગ છે. આ પેપરના વાચકો ગુજરાત સિવાય, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેષ્શ, યુપી, કર્ણાટક, પંજાબ, કાશ્મીર, હિમાલય દિલ્હી, ઉત્તરાખંડ વગેરે જગ્યાએ છે. વિદેશી વાચકો પણ છે.
તંત્રી શિવરાજ ઝાએ જણાવ્યુ કે દેવભાષા સંસ્કૃતના વારસાને પ્રેકટિકલ લાઇફમાં લાવવાની જરૃર છે. એવા પ્રયાસો સાથે જ ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ ૧૦ વર્ષથી પ્રવાહીરૃપે વહી રહ્યુ છે. સંસ્કૃતને તમામ ભાષાઓની જનની કહેવામાં આવે છે પણ લાઇબ્રેરીમાં પણ સંસ્કૃતના પુસ્તકો શોધ્યા જડતા નથી. આર્યલેન્ડમાં પહેલા ધોરણથી સંસ્કૃત ભણાવાય છે. સમાજસ્ય હિતં, સંસ્કૃતે નિહિતમ્ અર્થાત સમાજનું હિત સંસ્કૃતમાં સમાયેલુ છે. જો દેશને વિશ્વગુરૃ બનાવવો હશે તો દરેક ભારતીયે સંસ્કૃતને આત્મસાત કરવુ જ પડશે.
સંસ્કૃત સૌથી સરળ અને વૈજ્ઞાાનિક ભાષા છે એવુ સહ સંપાદક ધનંજય ભંજ જણાવે છે.સંસ્કૃત સૌથી સરળ અને વૈજ્ઞાાનિક ભાષા છે. સંસ્કૃતમાં કર્મ, કર્તા અને ક્રિયાપદના ભારેખમ નિયમો કે બંધનો નથી. તમે અહમ્ ગૃહમ્ ગચ્છામિ કે ગૃહમ્ અહમ્ ગચ્છામિ અથવા અહમ્ ગચ્છામિ ગૃહમ્ એમ ત્રણેય રીતે બોલી શકાય છે અને ત્રણેય રીતે તમે સાચા છો આ જ સંસ્કૃતિ ભાષાનો વૈભવ છે.
વિશ્વસ્ય વૃતાન્ત નાં ઓનર સૈફિ સંજેલવાલાએ કહ્યુ કે સંસ્કૃત પ્રત્યેના પ્રેમના કારણે જ અખબાર ચાલુ કર્યુ છે. ગાંઠનું ગોપીચંદન કરીને પણ અખબાર ચાલુ રાખીશુ જેનુ એકમાત્ર કારણ સંસ્કૃત છે. સરકારી જાહેરાત વિશે વાત કરતા તેમણે કહ્યુ કે સરકાર માહિતી ખાતા તરફથી સહકાર નથી. છેલ્લા ત્રણ વર્ષથી કોઇ જાહેરાત નથી. રજુઆતો સાંભળવા કોઇ રેડી નથી. પણ તેમછંતા પેપર ચાલુ જ રહેશે.
2)સુધર્મા:મૈસૂર, કર્ણાટક
આ ભારતનું પ્રથમ સંસ્કૃત દૈનિક અખબાર હતું, જેની શરૂઆત 1970માં થઈ હતી. આ અખબાર સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે.આ અખબારની સ્થાપના કે.એસ. વરદાચાર્ય દ્વારા કરવામાં આવી હતી અને હાલ તેમના પુત્ર કે.એસ. સંપથકુમાર દ્વારા તેનું સંચાલન થાય છે.સુધર્મા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર, સંસ્કૃત સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિ વિશેની માહિતી પ્રકાશિત કરે છે. આ અખબાર ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, જેનાથી વૈશ્વિક સ્તરે સંસ્કૃત ભાષાના ચાહકો તેનો લાભ લઈ શકે છે. આ અખબારે સંસ્કૃત ભાષાને દૈનિક સમાચારના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
સંસ્કૃત અખબારોની વાચક સંખ્યા મર્યાદિત હોવાથી અને આર્થિક પડકારોને કારણે આવા પ્રકાશનો ચલાવવું અઘરું છે, પરંતુ આ અખબારો સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને પ્રચાર માટે મહત્વનું યોગદાન આપે છે.
………………………………………





