ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108થી વધુ કાવડયાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો છે.
ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. 7 ઓગસ્ટે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ગતરોજ સવારે યાત્રા ભરૂચના ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી હતી. જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. આજરોજ સવારે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે. ત્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે.
યાત્રા દરમ્યાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાવડયાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 24 સ્વયંસેવકોની ટીમ યાત્રામાર્ગ પર સેવા માટે તૈનાત રહી છે.
તબીબી સુરક્ષા માટે ડોક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ તથા ફળ-ફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો છે. યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો, સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે.
યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી, ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાંસીયા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ હાજર રહ્યા હતા.



