બીલીમોરા શહેરમાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે.મંદિર પરિસરની જગ્યામાં ચગડોળ સહિતની વિવિધ રાઈડ્સ પણ લગાવવામાં આવી છે.ભગવાન સોમનાથનાં દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે,
ત્યારે ગત મોડીરાત્રિએ ૧૦:૪૦ આસપાસ અંદાજે ૫૦ ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે જે ઉપર ગયા બાદ નીચે ઊતરતાં રાઈડનો કેબલ તૂટી જતાં સ્પીડમાં નીચે પટકાતાં અફરાતફરી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં રાઈડમાં અંદાજે ૧૦ થી વધુ લોકો મજા માણી રહ્યા હતા તેઓ ધડામ કરીને નીચે પટકાતાં તમામને નાની-મોટી ઇજા થઈ હતી.એમાં બે મહિલા,બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયરબ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ પોલીસે મેળામાં ચાલતી તમામ રાઈડો બંધ કરાવી ને તપાસ હાથ ધરી છે.
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઈડ તૂટી પડતાં મેળા અને એમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે, જેમાં પણ રાજ્ય સરકારની SOP પ્રમાણે નિયમોનું પાલન થયું છે કેમ? જેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. ત્યારે નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમ નેવે મૂકીને રાઇડ ચાલતી હતી એ તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે.



