આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ઉમરેઠમાં સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ પડયો હતો. ઉમરેઠથી ડાકોર, ઉમરેઠથી આણંદ અને ઉમરેઠથી સારસા જવાના રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરની વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા.સોસાયટીઓમાં પાણી ભરાતા વીજ પુરવઠો ઠપ થયો હતો.
બોરસદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો અને શહેરની ટાવર વિસ્તારના સોખડીયા ખડકીના મકાનમાં વિજળી પડી હતી. મકાનના ધાબાની પેરાફીટ ઉપરથી સિમેન્ટ અને ઇંટો ઊખડી ગઈ હતી. પેરાફીટ ઉપર તિરાડ પણ પડી ગઈ હતી. વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારો અને મહી નદીના કાંઠાના ૨૦થી વધુ ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. મોટાભાગના રસ્તા પર એક ફૂટથી વધુ પાણી ભરાઇ જવાથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
તાલુકાના ગામનો ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ડાંગર, બાજરી,કેળ, તમાકુના ધરૂવડિયા,શાકભાજીના નુકસાન થવાની દહેશત છે.
જયારે આણંદ જિલ્લામાં સરેરાશ ૨૯ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોરસદમાં ૩૯, આણંદમાં ૩૯, ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો છે.
– બોરસદના વિવિધ વિસ્તારોના મકાનોમાં પાણી ભરાતા મુશ્કેલી
ભારે વરસાદથી બોરસદમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે આણંદ ચોકડી વિસ્તારની અન્નપૂર્ણા સોસાયટી, ડી.કે નગર, કૃષ્ણનગર, ધરતીનગર વિભાગ એક- બે, સહિતની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી જતા મહિલાઓને પાણી ઉલેચવાની ફરજ પડી હતી. બોરસદના વન તળાવ વિસ્તાર ટાઉનહોલ વિસ્તાર ભોપા ફળી. તથા વાંસકુવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.


