પાલેજથી ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે સવારે હલદરવાથી વરેડિયા સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આશરે ચાર કિલોમીટર જેટલા લાંબા આ ટ્રાફિકજામના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હાઇવે પર કોઈ અજાણ્યા કારણોસર વાહનોની ગતિ અચાનક ધીમી પડી હતી, જેના પરિણામે ટૂંકા ગાળામાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સવારે કામકાજ અને અન્ય હેતુસર નીકળેલા અનેક વાહનચાલકો આ ટ્રાફિકજામમાં કલાકો સુધી અટવાઈ ગયા હતા. વાહનોની સતત વધતી સંખ્યા અને ધીમી ગતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
આ ટ્રાફિકજામનો ભોગ બનેલા અનેક વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. જેમાં વાહનોની અવિરત કતારો સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવાથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી પરિસ્થિતિને નિયંત્રણમાં લેતા સમય લાગ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર વ્યસ્ત હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થાપનના મુદ્દાને પ્રકાશમાં લાવી દીધો છે, અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા


