અંકલેશ્વરમાં મેલીવિદ્યા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવા બોરભાઠાના એક શાકભાજીના વેપારી યુવકને પેટના દુ:ખાવાની સારવારના બહાને સ્થાનિક ભુવાએ કુલ રૂ. 4.44 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડ પડાવી લીધા છે. આ મામલે યુવકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં રહેતા રોહન જયંતિ વસાવાને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવો થતો હતો. આથી, તેઓ તેમની માતા, બહેન અને માસી સાથે ભુવા પુષ્પા વસાવા પાસે ગયા હતા. ભુવા પુષ્પાએ રોહનને જણાવ્યું કે કોઈએ તેના પર મેલીવિદ્યા કરી છે અને આ મેલીવિદ્યા તેના સોનાની ચેઇનમાં રહેલી છે. આ વિધિ દૂર કરવાના બહાને પુષ્પાએ રોહન પાસેથી તેની સોનાની ચેઇન લઈ લીધી હતી.
પહેલા તો ભુવાએ સાત દિવસ પછી ચેઇન પરત આપવાની વાત કરી હતી. પરંતુ, બીજા જ દિવસે તેણે રોહન પાસેથી અન્ય એક સોનાની ચેઇન અને વીંટી પણ પડાવી લીધા હતા. આટલેથી ન અટકતાં, પુષ્પાએ રોહન પાસેથી રૂ. 20,000 રોકડા પણ લીધા હતા અને તેના બજાજ ફાઇનાન્સ કાર્ડનો ઉપયોગ કરીને પોતાના માટે ફર્નિચર પણ ખરીદી લીધું હતું.
જ્યારે રોહને આ અંગે ભુવાને પૂછપરછ કરી અને પોતાના દાગીના-રોકડ પાછા માંગ્યા, ત્યારે ભુવાએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આખરે, પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં, રોહને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભુવા પુષ્પા વસાવા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


