સુરતમાં રત્નકલાકારને ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન થકી મળવા બોલાવી ત્રણ યુવકોએ માર માર્યો હતો એટલું જ નહી તેના ગુગલ પેમાંથી 5 હજાર રૂપિયા પડાવી લીધા હતા. તેમજ રત્નકલાકારનો મોબાઈલ ફોન અને બાઈક પણ લઇ લીધી હતી. જો કે આ મામલો વરાછા પોલીસ મથકે પહોચતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 29 વર્ષીય યુવક રત્નકલાકાર તરીકે કામ કરે છે.તેણે ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અને તે મિત્રો બનાવીને વાતચીત કરતો હતો દરમ્યાન તેના પર જય નામના યુવકની રીક્વેસ્ટ આવી હતી અને તે રીક્વેસ્ટ રત્નકલાકારે સ્વીકારી હતી અને તેની સાથે મેસેજમાં વાતચીત કરતો હતો.દરમ્યાન ગત 18 તારીખના રોજ રત્નકલાકારને મેસેજ કરીને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો હતો. જ્યાં બાઈક લઈને રત્નકલાકાર પહોચતા તેને ચપ્પુ બતાવીને નજીકમાં આવેલી ગલીમાં ચોથા માળે લઇ જવાયો હતો, જ્યાં અન્ય બે અજાણ્યા ઈસમો પણ હાજર હતા. બાદમાં રત્નકલાકારને ધાક ધમકીઓ આપી 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
જો કે રત્નકલાકારે પૈસા ના હોવાનું જણાવતા તેનો વીડિયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને ગડદા પાટુંનો માર મારવામાં આવ્યો હતો બાદમાં તેના મોબાઈલ ફોનમાંથી 5 હજાર રૂપિયા ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. તેમજ રત્નકલાકારનો મોબાઈલ ફોન પણ લઇ લીધો હતો અને તેની 80 હજારની કિમંતની બાઈક પણ લઇ લીધી હતી.પૈસા થયેથી મોબાઈલ અને બાઈક લઇ જજે તેમ જણાવ્યું હતું. બાદમાં એટીએમ કાર્ડમાંથી બીજા રૂપિયા કઢાવવા માટે તેને ચપ્પુ બતાવીને ચોથા માળેથી નીચે લાવવામાં આવ્યો હતો અને બાઈક પર બેસવા જણાવ્યું .હતું જ્યાંથી રત્નકલાકાર હાથ છોડાવીને ભાગી ગયો હતો.આ સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં વરાછા પોલીસની ટીમે અર્શિત નાજાભાઈ સાખટ અને દીપેન હિતેશભાઈ રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આરોપી અર્શિત સામે વરાછા પોલીસ મથકમાં અગાઉ હત્યાનો ગુનો પણ વર્ષ 2024માં નોંધાયેલો છે તેમજ આરોપી દીપેન સામે જૂનાગઢ માળિયા હાટીના પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


