GANDHINAGAR : આજથી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

0
19
meetarticle

જિલ્લાના ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસા શહેર તથા ગ્રામ્યના ધોરણ ૧૦ના ૨૫,૪૪૪ અને ધોરણ ૧૨નાં ૧૯,૮૪૦ વિદ્યાર્થીની બોર્ડ કસોટીનો પ્રારંભ થવાથી જિલ્લો પરીક્ષામય બન્યો છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર મહિલા સહિત બે પોલીસ અને દરેક ઝોનલની ગાડીમાં પણ પોલીસ તૈનાત રહેશે. જિલ્લામાં પરીક્ષાના સંચાલનમાં ૩ હજાર જેટલા કર્મચારી રોકાશે. જ્યારે પ્રશ્નપત્ર ફુટવા સહિતના ચેડા રોકવા પેપર ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા જિલ્લાની અને બોર્ડની ફ્લાઇંગ સ્કવોડ અચાનક ત્રાટકશે.તારીખ ૨૬ ફેબુ્રઆરીથી ૧૮મી માર્ચ સુધી યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૦ના ૨૫,૪૪૪ વિદ્યાર્થીઓ માટે ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં ૩૪ સેન્ટરમાં ૧૦૦ બિલ્ડીંગના ૮૮૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૫,૧૪૧ પરીક્ષાર્થી માટે સીટી અને રૂરલ ઝોનમાં ૩૫ સેન્ટરમાં ૫૮ બિલ્ડીંગના ૫૦૫ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. બીજી બાજુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪,૬૯૯ વિદ્યાર્થીઓ માટે ૨૩ સેન્ટરમાં ૨૪ બિલ્ડીંગના ૨૩૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રાથમિક વિભાગના ૨૦૦ શિક્ષકો જ સરકારી પ્રતિનિધિ તરીકે દરરોજ સ્ટ્રોંગરૂમમાંથી પ્રશ્નપત્રના બંડલ લેવા સમયે તે સીલબંધ હોવાની ફોટોગ્રાફી કરશે અને પરીક્ષા કેન્દ્ર પર સોંપણી વખતે સીલબંધ હોવાનો ફોટો પાડશે. મુખ્ય બોક્સમાં કેટલા બંડલ દેખાય છે, તેની પણ ફોટોગ્રાફી કરશે. આ ફોટોગ્રાફ પેપર ટ્રેકિંગ એપ્લિકેશનમાં અપલોડ કરશે. પરીક્ષા દરમિયાન ગેરરિતી પકડવા માટે બોર્ડની ફ્લાઇંગ સ્કવોડ તો ફરશે જ. ઉપરાંત ડિસ્ટ્રીક્ટ ફ્લાઇંગ સ્કવોડની રચના કરીને તેમાં સરકારના વિવિધ વિભાગના વર્ગ ૧ અને ૨ના ૫૦ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. આ અધિકારીઓને દરરોજ સવારે જ તેમણે ક્યા પરીક્ષા કેન્દ્ર પર જવાનું છે, તેની જાણ કરાશે. તેઓ નિયત સ્થળે આકસ્મિક તપાસ કરશે.

  • પરીક્ષાર્થી ક્યાંય અટવાય તો પોલીસ તેને કેન્દ્ર પર પહોંચાડી દેશે

વિદ્યાર્થીઓને કોઇપણ સમસ્યા સંબંધમાં માર્ગદર્શન અને મદદ માટે બુધવારથી જ જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ત્યારે કોઇ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મળતું ન હોય કે વાહન બગડવા સહિત કોઇ સમસ્યા આવી હોય તો કંટ્રોલરૂમના નંબર ૦૭૯ ૨૩૨ ૨૦૩૧૪ પર જાણ કરશે તો તે બાળકને પોલીસ દ્વારા નિયત પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવ્યાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

  • 18મી માર્ચ સુધી હેલ્પલાઇન પરથી વિદ્યાર્થીને માર્ગદર્શન મળશે

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ કે પરીક્ષાની કામગીરીના કર્મચારીને માર્ગદર્શન આપવા માટે જિલ્લાના કંટ્રોલરૂમ પર ફોન નંબર ૦૭૯ ૨૩૨૨૦૩૧૪ પર સંપર્ક કરી શકાશે. જે જાહેર રજાઓ સહિત સવારે ૭થી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉપરાંત રાજ્ય કક્ષાએ હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ આપવામાં આવ્યો છે. તમામ દિવસોમાં સવારે ૧૦થી સાજે ૬.૩૦ સુધી કાર્યરત રહેશે.

  • શિક્ષણમંત્રીઓ પરીક્ષાર્થીઓનું સ્વાગત કરશે

રાજ્યના શિક્ષણમંત્રીઓ ગાંધીનગરના કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવશે. ડા. પ્રદ્યુમન વાજા સ્વામીનારાયણ ગુરૂકુલ પર અને રીવાબા જાડેજા એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત ધારાસભ્ય, મેયર, બોર્ડના સચિવ, કલેક્ટર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાનાં છે. વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપીને સ્વાગત કરવાની સાથે કુમકુમ તિલક કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here