GANDHINAGAR : ખોરજ ખાતે સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

0
19
meetarticle

ગાંધીનગરના ખોરજ ખાતે ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના ગુવાળી ગામનો વતની સાધુ મકન ભૂરીયાએ ગત ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ખોરજ ગામેથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો અને દસ દિવસથી વધુ સમય સુધી ગેરકાયદે અટકાયતમાં રાખી હતી. સગીરા સગીર હોવાની જાણ હોવા છતાં તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી જઘન્ય અપરાધ કર્યો હતો. સગીરાના પિતા દ્વારા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જેના આધારે ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સાધુ મકન ભૂરીયાને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૩૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવી આપવા માટે પણ હુકમ કરવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here