GANDHINAGAR : પેટ્રોલ, ડીઝલ અને પીએનજીની સપ્લાય ચેઈન જળવાઈ રહે તે માટે તાકિદ

0
24
meetarticle

ગાંધીનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરે કાર્યભાર સંભાળતાની સાથે જ વહીવટી તંત્રને દોડતું કર્યું છે. જિલ્લાના નાગરિકોને રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે હેતુથી કલેક્ટરની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેટ્રોલિયમ પેદાશો, ગેસ અને ખાદ્ય સામગ્રીની સપ્લાય ચેઈનને વધુ સુદ્રઢ બનાવવા તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં પુરવઠો ખોરવાય નહીં તે માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું.


બેઠકનો મુખ્ય એજન્ડા જિલ્લામાં ઇંધણ અને ગેસના પુરવઠાને જાળવી રાખવાનો હતો. કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે જોવાની જવાબદારી સમિતિની છે. ઔદ્યોગિક અને ઘરેલું વપરાશ માટેના ગેસ તેમજ વાહનવ્યવહાર માટેના ઇંધણના પરિવહનમાં કોઈ અવરોધ ન આવે તે માટે સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે.કલેક્ટરે જણાવ્યું હતું કે, ઇંધણના પુરવઠા પર સતત દેખરેખ રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાને લાંબી કતારો કે અછત જેવી સ્થિતિનો સામનો કરવો ન પડે. આ માટે ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન સાધવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે.તો બીજી બાજુ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં રહે અને કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે જિલ્લા સ્તરીય સમિતિની ભૂમિકા અત્યંત મહત્વની છે. 

બેઠકમાં કલેક્ટરે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો કોઈ વેપારી કે સંસ્થા દ્વારા ખાદ્ય પદાર્થો અથવા ઇંધણની સંગ્રહખોરી કે કાળાબજાર કરવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચાયેલી આ સમિતિ બજારમાં ચીજવસ્તુઓના ઉપલબ્ધ જથ્થા અને તેની કિંમતો પર સતત નજર રાખશે. એટલું જ નહીં, છેવાડાના માનવી સુધી પણ જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી પહોંચે તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે તે સમજીને ઉચ્ચ અધિકારીઓને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સપ્લાય ચેઈનનું સતત મોનિટરિંગ કરવા અને દરરોજ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લાના પુરવઠા અધિકારીઓ, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here