GANDHINAGAR : મેં પુત્રનું ગળું દબાવીને હત્યા કરી છે, હવે ઘરે પાછો આવવાનો નથી

0
17
meetarticle

ગાંધીનગરના સેક્ટર-૧૩ વિસ્તારમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. જેમાં એક પિતાએ પોતાના જ ૩ વર્ષના પુત્રનું અપહરણ કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ અને સર્વેલન્સ ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગત રાત્રે પોલીસ કંટ્રોલરૃમને જાણ કરવામાં આવી હતી કે, સેક્ટર-૧૩માં રહેતા ફાલ્ગુનીબેનનો ૩ વર્ષનો પુત્ર તેના પિતા મનુભાઈ પરસોત્તમભાઈ પરમાર સાથે બપોરે ફોરવ્હીલ ગાડીમાં નીકળ્યો હતો. મોડી રાત સુધી તેઓ ઘરે ન પરત ફરતા જ્યારે પત્નીએ ફોન કર્યો, ત્યારે મનુભાઈએ કહ્યું હતું કે, તેણે પુત્રને ગળું દબાવી મારી નાખ્યો છે અને હવે પોતે ઘરે આવવાનો નથી. જે અંગે સમાચાર મળતાની સાથે જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા સેક્ટર ૭ ઉપરાંત જિલ્લાની અન્ય પોલીસને સૂચના આપી દેવામાં આવી હતી આમ પણ સમગ્ર જિલ્લામાં ગઈકાલે રાત્રે પોલીસ નાઈટ કોમ્બિંગમાં કાર્યરત હતી બનાવની ગંભીરતાને પગલે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.બી. ગોયલ અને સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. જે.એચ. મકવાણાએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૃ કરી હતી. જેમાં એક ટીમ સેન્ટ્રો કારને ટ્રેક કરવા માટે સીસીટીવી ફૂટેજ અને નાકાબંધીની કામગીરીમાં જોડાઈ હતી. જ્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સંકલનમાં રહી ટેકનિકલ સોર્સ અને લોકેશનના આધારે શોધખોળ શરૃ કરી હતી.

સતત બે કલાકની સઘન શોધખોળ બાદ પોલીસે મનુભાઈ પરમારને ટ્રેક કરી લીધો હતો અને તેના ૩ વર્ષના પુત્રને સુરક્ષિત રીતે શોધી કાઢયો હતો. સદનસીબે બાળક હેમખેમ મળી આવતા પોલીસે તેને તાત્કાલિક તેની માતા ફાલ્ગુનીબેનને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આરોપી પિતા વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here